મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે, ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે

ભારતના ચૂંટણી પંચે મંગળવાર 15 ઓક્ટોબરે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે, જ્યારે ઝારખંડની ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં યોજાશે.બંને રાજ્યોમાં ચૂંટણીનું રિઝલ્ટ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ જાહેર કરતાં જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં 9.63 કરોડ મતદારો છે જ્યારે ઝારખંડમાં મતદારોની સંખ્યા 2.6 કરોડ છે.” આ ઉપરાંત વિવિધ રાજ્યોની 47 વિધાનસભા બેઠકો અને વાયનાડ લોકસભા સીટ પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

મહારાષ્ટ્રમાં હાલમાં શિંદે ગ્રુપની શિવસેના-ભાજપ અને અજિત પવાર જૂથની એનસીપીનું શાસન છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ વખતની વિધાનસભા ચૂંટણી ઘણી જ રસપ્રદ બની રહેશે કેમ કે બે મુખ્ય રાજકીય ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) અને મહાયુતિ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત એકબીજાનો સામનો કરશે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ, ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેની શિવસેના અને શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. જ્યારે તેની સામે મહાયુતિમાં ભાજપ, એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજીત પવારની આગેવાનીવાળી NCPનું ગઠબંધન છે.

ઝારખંડમાં શિબુ સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાની હાલમાં સરકાર છે. આ સરકારને કોંગ્રેસ અને લાલુ યાદવની પાર્ટીનું સમર્થન છે. રાજ્યમાં વિપક્ષની ભૂમિકામાં ભાજપ છે. આ આદિવાસી રાજ્યોમાં હાલમાં બાંગ્લાદેશ ધૂસણખોરોનો મુદ્દો ચગેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *